Tuesday, August 25, 2015

ભાવશે, ફાવશે અને ચાલશે (હાસ્યલેખ)

ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં-હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને ! મેં રાબેતા મુજબ બોલવાની અશક્તિ જાહેર કરી દીધી. પણ આ લખી શકાય એવો વિષય એટલા માટે છે કે મારી ઉંમર આજે હું પોતેય નિવૃત્ત છું. નિવૃત્તિની સમસ્યા એ છે કે તમને નિવૃત્તિના પ્રશ્નો વિશે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે. એ ક્લબના સંચાલકભાઈએ ભલે એમ કહ્યું કે આ રિટાયર્ડ સિનિયર સિટિઝંસને કેટલાક પ્રશ્નો છે, પણ મારા મતે એ પોતે જ એમના પરિવારના અન્ય સભ્યો માટે પ્રશ્ન હોય છે, એમના કારણે એમના કરતાંય વધારે કષ્ટદાયક પ્રશ્નો ઊભા થતા હોય છે જેની કદાચ તેમને જાણ પણ નહીં હોય, અને બીજો સવાલ નિવૃત્તિનો સમય આનંદથી પસાર કરવાનો છે. ખરેખર તો એમની નિવૃત્તિનો બોજ, શારીરિક તેમજ માનસિક બોજ ઘરના માણસો પર ન પડે, એમનો આનંદ ઝૂંટવાઈ ન જાય એ જોવાની જવાબદારી ખરેખર તો એ બુઝુર્ગની છે, પણ આ નિવૃત્ત બુઝુર્ગની માનસિકતા પેલા દુર્યોધન જેવી છે, પોતાનો ધર્મ શું છે એ તે જાણે છે, પણ એ પ્રમાણે વર્તી શકતો નથી. આ બધું હું એટલા માટે જાણું છું કે મારી અંદર પણ એ જ દુર્યોધન બેઠો છે.
દવાને હોય છે એ રીતે સરકારી કર્મચારીની નોકરીને પણ એક્સપાયરી ડેટ હોય છે એની તો આપણને ખબર છે, પરંતુ વચ્ચે તો કેટલીક બેંકોએ પણ વહેલી નિવૃત્તિની વોલંટરી રિટાયરમેંટ સ્કીમ દાખલ કરી હતી જે વી.આર.એસ. તરીકે જાણીતી થઈ હતી. એ વખતે કેટલાક બેંક કર્મચારીઓ વી.આર.એસ.નો અર્થ ‘હમ ગધે હૈં’ એવો કરતા, તો અમુક જણ એમ કહેતા કે વી.આર.એસ. લીધા પછી પત્નીઓનાં વાસણ, રસોઈ અને સફાઈના પ્રશ્નો પણ ઉકલી જશે, તેમનો નોકરચાકર અને રસોઈમાં વગેરેનો ખર્ચ બચી જશે. બેંક-મેનેજરને એ હકીકતની જાણ હોય છે કે દરેક બેંકમાં આમ તો વન થર્ડ કર્મચારીઓ જ દિલ દઈને કામ કરતા હોય છે, ને બાકીનો સ્ટાફ બેંકમાં આવી પોતાની હાજરી પુરાવવાનો, હાજરીપત્રકમાં પોતાનો ઑટોગ્રાફ આપવાનો પગાર ખંખેરી લેતા હોય છે. આવા લોકો પાસે પરાણે કામ કરાવવા જતાં એ કામ એટલી હદે બગાડી નાખે છે કે તેને રિપેર કરવા બીજો બમણો સ્ટાફ કામે લગાડવાનો થાય, સરવાળે બેંકને એ વધારે મોઘું પડે. (બેંકોમાં ઑવર ટાઈમની બબાલ આવાં જ કારણોસર ઘૂસી ગઈ હશે) એ કરતાં તેમને ઘેર બેઠાં પૈસા આપવા સસ્તા પડે. (ધાડપાડુઓ બેંક લૂંટી જાય ત્યારે એ રકમ લૂંટ ખાતે નથી ઉધારતા ?) આવા લોકો બેંકમાં હોય કે પોતાના ઘરે હોય, બેંકના કામમાં કોઈ જ ફેર પડવાનો નથી. શક્ય છે કે આ અંગેનો ‘સર્વે’ કરાવ્યા બાદ જ બેંક મેનેજમેંટે આવો, પોતાને ફાયદાકારક નિર્ણય લીધો હશે ને ત્યાર પછી જ સ્ટાફજોગ નિવેદન બહાર પાડ્યું હશે કે ઘેરથી રઘવાટ કરી, કરાવીને, બે કોળિયા પેટમાં ઓર્યા-ન ઓર્યા ને બેંકમાં તમારે પહોંચી જવું પડે, એ માટે દરરોજ દાઢી મૂંડવી પડે, આપણી તો આપણી પણ રોજ દાઢી કરવાનું તે કંઈ આપણું કામ છે ? રોજ સાફસૂથરાં ઇસ્ત્રીટાઈટ પેંટ-બુશર્ટ યા સફારી ચડાવવાનાં, બેંકમાં આવવા-જવા માટે બસ, રિક્ષા કે સ્કૂટરનો ખર્ચ કરવાનો, કામને હાથ જ ના અડાડીએ તો તો વાંધો નહીં, પણ કોઈ વાર ચેંજ ખાતર શોખથી કે ભૂલમાં કામ હાથ પર લઈએ ને ક્યારેક મસમોટો લોચો થઈ જાય તો લેવાના દેવા પડી જાય. એ કરતાં તમે ઇચ્છતા હો તો અમે તમને અહીંનો ધક્કો ખાધા વગર, તમે આ બેંકમાં અમુક વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી છે એમ ગણી પગાર ચૂકવી દઈએ તો કેવું ! પછી તમારે આ બેંક પર કૃપા કરી એની સામે નહીં જોવાનું ને બેંક પણ તમારી સામે આંખ ઊંચી કરીને જોશે નહીં. પ્રોમિસ.
બેંકનો આવી જાતનો સરક્યુલર વાંચીને શરૂઆતમાં કેટલાક કર્મીઓને લાગ્યું કે બેંકવાળા આપણી મજાક-મશ્કરી કરે છે, આપણને ગર્દભ માને છે. આર,વી.એસ. ? આવી ઑફરમાં બેંકને શું મળવાનું ? પછી વિચાર્યું કે ભોગ એના, આપણા માટે તો લોટરી લાગ્યા જેવું જ છે ને ! આમ બેંક પાસેથી લાખો રૂપિયા ઉસેટી (બેંકને બાપ ગણીએ તો) ઘણા બાપકર્મીઓ ઘરભેગા થઈ ગયા. બસ, હવે તમે અકાળે વૃદ્ધની જેમ સમય પહેલાં નિવૃત્ત થઈ ગયા. બેંકે તેમને મફતમાં સમૃદ્ધ કરી નાખ્યા એવું પણ ક્યારેક તમને થશે. કિંતુ સુખી નિવૃત્ત જીવનની ચાવી એ છે કે માણસની પાસે ગુજરાન ચલાવવા પૂરતા જ પૈસા હોવા જોઈએ, પણ એની ચિંતા કરવી પડે એટલા બધા નહીં પાછા ! આમ તો પૈસાની હાજરીથી ઘણી બધી ચિંતાઓ દૂર થતી હોય છે, પરંતુ તેને કારણે કેટલીક નવી ચિંતાઓ ઊભી પણ થવાની. આ ચિંતાઓની શરૂઆત ઘરમાંથી જ થશે. બંને પુત્રોને મુકેશ-અનિલ અંબાણી-બંધુ થવાનો ધખારો ઊપડવા માંડશે. ના, અંબાણી ભાઈઓની જેમ ઇંડસ્ટ્રી શરૂ કરવાનો નહીં, એમની કંપનીના શેરો ખરીદવાનો. દબાતા અવાજે કહેશે કે, પપ્પાજી, વી.આર.એસ.ના 25 લાખ આવ્યા છે એમાંથી અમને પાંચ-પાંચ આપો અમારે ધંધો કરવો છે. આ સાંભળીને તમને, ગાયને દોહીને કૂતરાને પાવાની પેલી જૂની કહેવત એમ જ યાદ આવી જશે. તમે શક્ય એટલી સારી ભાષામાં દીકરાઓના આ પ્રસ્તાવને નકારશો. પરિણામે તમારા ઘરમાં એક નહીં, એક સાથે બે હરિલાલ (મોહનદાસ ગાંધી)ના જન્મની શક્યતા ઊભી થશે. ‘અમને ભણાવવા ને પરણાવવા સિવાય અમારા વિકાસ માટે તમે બીજું શું કર્યું ? પૈસા જ વ્હાલા કર્યા ને ?’ જેવાં મહેણાં સાંભળવાં મળશે. એ વખતે તમને મનોમન એવો પસ્તાવો થશે કે બેંકમાંથી શું મળ્યું એ ઘરમાં કહેવાની શી જરૂર હતી ! તમને કદાચ પહેલી જ વાર ખ્યાલ આવશે કે તમે બહુ બોલકા છો ને જરૂર કરતાં બિનજરૂરી વધારે બોલો છો.
પણ ન બોલ્યામાં નવ નહીં, નવસો ગુણ છે એવી સમજ નિવૃત્તિ પછી કેળવવાથી કુટુંબીજનોને આનંદ આશ્ચર્ય થશે એની તમને ખુદને પ્રતીતીય થશે. એક ઉપચાર લેખે શક્ય હોય તો દરરોજ એકાદ કલાક મૌન પાળવું ને દોઢ-બે કલાક ઘરની બહાર જઈ આપણા સમવયસ્કો સાથે બેસી આપણી અસ્ખલિત વાણીનો તેમને લાભ આપવો, જેથી આપણો ઘરનો બોલવાનો ‘ક્વોટા’ પૂરો થયાનું આશ્વાસન મળે ને ઘરમાં કોઈ મારું સાંભળતું નથી એ બાબતનો વસવસો ના રહે, એ ગ્રંથિમાંથી પણ ધીમે ધીમે બહાર આવી જવાય. વંસ અપોન એ ટાઈમ, જ્યારે તમે નોકરી કરવા જતા ત્યારે ઘરમાં તમારી ઘણી દાદાગીરી ચાલતી, જબરી ધાક હતી, તે એટલે સુધી કે તમારી પત્ની તમે ઑફિસે જવા નીકળો ત્યાર પછી જ નહાવા જતી, ક્યારેક દબાતા અવાજે એ બાપડી બોલીય દેતી કે તમે હવે જાવ તો મને નહાવાની સૂઝ પડે. પહેલાં તો તમારે ઑફિસે જવાનું મોડું ન થાય એની ફિકરમાં તમારા માટે બાથરૂમ અનામત રહેતો. તમારી નિવૃત્તિ પછી એ પ્રાયોરિટી તમે ગુમાવી બેઠા હોવાની લાગણી તમે અનુભવશો. દીકરાને ઑફિસે અર્જંટ મિટિંગ હોવાને કારણે કે પછી પૌત્રને ટ્યૂશન પર વહેલા જવાનું છે એટલે તમારો બાથરૂમ વગર પૂછે એ જ વાપરવા માંડશે. બાથરૂમની બહાર આવતાં દીકરો સહજભાવે તમને કહેશે કે દાઢી કરવા તમારી નવી બ્લેડ લીધી છે, આમેય તમારે આજે ક્યાં બહાર જવાનું છે. ટૂંકમાં તમારે બહાર જવાનું છે કે નહીં એ તમારે નહીં, તમારા સુપુત્રે નક્કી કરવાનું છે. હશે, પણ આવી નાની બાબતને પ્રેસ્ટિજ ઇસ્યૂ બનાવી દુ:ખી થવું નહીં કે ગુસ્સે થઈ અન્યને કશું કહેવું નહીં, ઘરની શાંતિ જોખમાશે.
પહેલાં તમે કમાઉ હતા ને દર મહિને નિયમિતપણે ઘરે પગાર લાવતા ત્યારે સવારની ચા જરૂર પ્રમાણે ચાર પ્રકારની બનતી. આપુડી, બાપુડી, જાગુડી કે ક્યારેક પાટુડી. આપુડી ચા એટલે ફક્ત રસોઈયા માટેની આખા દૂધની ચા જે શરૂઆતમાં પુત્રને પરણાવ્યા બાદ પુત્રવધૂ બનાવતી. ક્યારેક વહેલી ઊંઘ ઊડી જાય તો આપુડી આખા દૂધની ઈલાયચી નાખેલી મજબૂત ચા સામે ચાલીને માની પેઠે લાગણીથી ને આગ્રહથી પાતી. બાપુડી એટલે સાસુ-સસરા માટે ઓછા દૂધની પિયેબલ ચા. એ તો પાછી મળે જ. જાગુડી એટલે ઘરના જાગી ગયેલા તમામ સભ્યો માટેની ચા જેમાં દૂધ નંખાયા હોવાનો વહેમ પડે. ને ક્યારેક ટોળાબંધ મહેમાનો અણધાર્યા તૂટી પડે તો એમના માટે પાટુડી ચા, જેમાં દૂધને ખાંડની મા મૂઈ, હા, રંગ જરા તરા ચા જેવો ખરો, પણ નિવૃત્તિ બાદ આપુડી ચાની આશા મૂકી દેવાની, એ માટેની આજ્ઞાવાચક ભાષા પણ ભૂલી જવાની, અને મને કે કમને ભાવશે, ફાવશે અને ચાલશે જેવા શબ્દોનો ચલણી સિક્કાની પેઠે સતત ઉપયોગ કરવાનો અને કુટુંબીજનો સાંભળે એટલા મોટા અવાજે કંટાળાથી ક્યારેય ‘ઘડપણ કોણે મોકલ્યું ?’ જેવી કવિતા ન ગાવી, કારણ એ જ કે તમારા ઘડપણ માટે એમનો કોઈ જ ફાળો નથી.

No comments:

Post a Comment