Sunday, September 20, 2015

કઠોળની આયાત કરતા ઉત્પાદન વધારવું અત્યંત જરૃરી

nullnullnullnull

સંયુકત રાષ્ટ્ર સંઘે ૨૦૧૬ના વર્ષને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કર્યો છે, ત્યારે ભારતમાં કઠોળના ઉત્પાદન આંકડા ઘણું જ  નબળું ચિત્ર દર્શાવે છે. આપણા દેશમાં પ્રતિ હેકટર ૭૫૦ કિલો કઠોળ ઉત્પન્ન થાય છે જે વિકસિત દેશોની સરખામણીએ ઘણું જ ઓછું છે. દેશમાં કઠોળની માગ કરતા  પૂરવઠો ઓછો રહેતા સરકારે  વિવિધ કઠોળની આયાત વધારવા નિર્ણય લેવાની  અવારનવાર ફરજ પડી છે. પૂરવઠા ખેંચને અભાવે કઠોળના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે ચોમાસામા ંવરસાદની અછતથી પાક પર તેની પ્રતિકૂળ અસર પડવા વકી છે. દેશમાં આવક તથા રાજકીય સ્થિરતા વધી હોવા છતાં અન્નની ઉપલબ્ધતાની ખાતરી પૂરી પાડતા અન્ન સલામતી જેવા પરિબળો હજુ પણ મુખ્ય ચિંતાના વિષય છે. છેલ્લામાં છેલ્લા ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઈન્ડેકસમાં અન્નની સલામતી પૂરી પાડતા દેશોમાં ભારતનું સ્થાન ૬૬મું છે જ્યારે ચીન આપણા કરતા ઘણું આગળ રહીને ૩૮માં સ્થાને છે. એટલું જ નહી ભારતમાં પૂરા પડાતા અનાજમાં પ્રોટીનની ગુણવત્તા પ્રત્યે પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ભારતમાં  સારી કક્ષાના પ્રોટીનવાળો (ખાસ કરીને કઠોળ) ખોરાક  માથાદીઠ  ૩૭ ગ્રામ આરોગવામાં આવે છે જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં આ આંક ૪૭ ગ્રામ તથા શ્રીલંકામાં ૩૮ ગ્રામ છે એમ  આઈસીઈ ૩૬૦ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. શારીરિક તંદૂરસ્તી માટે એક વ્યક્તિએ દૈનિક ૮૦ ગ્રામ કઠોળ ખોરાકમાં ખાવું જોઈએ એવી  તબીબી સલાહ છે.  આ હકીકતને  ધ્યાનમાં રાખતા  ૧૨૮ કરોડની વસતિવાળા ભારતમાં  ૩.૬૯ કરોડ ટન કઠોળની આવશ્યકતા રહે છે. પરંતુ આટલી માત્રામાં અહીં એટલું કઠોળ ઉત્પન્ન થતું  નથી એ હકીકત છે.
જ્યારે કોઈ દેશ વિકાસના પંથે આગળ વધે છે ત્યારે પારિવારિક ખર્ચમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચનો હિસ્સો ઘટતો જતો હોવાનું તારણ છે.   ઊંચી આવક સાથેના દેશોમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચ કુલ ખર્ચના ૨૦ ટકા આસપાસ છે. ભારતની વાત કરીએ તો કુલ ઘરેલું ખર્ચમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચ ૫૫ ટકા જેટલો રહે છે જ્યારે કુલ આવકમાંથી ૩૯ ટકા ખોરાક પાછળ ખર્ચાય છે. ૨૦૦૪-૫થી ૨૦૧૩-૧૪ દરમિયાનના  દસ વર્ષમાં ઘરેલું ખર્ચના આંકડા પર નજર નાખવામાં આવે તો ભારતના ગામડાઓમાં કુલ ઘરેલું ખર્ચમાં ખાધાખોરાકી પાછળની ટકાવારી જે  ૫૫ ટકા હતી તે વધીને ૬૦ ટકા થઈ ગઈ છે જ્યારે શહેરી ભારતમાં આ આંક ૪૩ ટકા પરથી વધી ૪૮ ટકા થયો છે. બીજી બાજુ ખાધાખોરાકી સિવાયના ખર્ચની ટકાવારી શહેરી વિસ્તારમાં જે  ૫૭ ટકા હતી તે ઘટીને ૫૨ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૫ ટકા પરથી ઘટી ૪૦ ટકા થઈ ેછે.   વિશ્વમાં ઉત્પન્ન થતા કુલ કઠોળમાંથી ૩૫થી ૩૭ ટકા કઠોળ આપણે ભારતીયો સ્વાહા કરી જઈએ છીએ. ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન ભારતીયોના કડધાન્ય તથા પ્રોટિનયુકત  ( કઠોળ) ખોરાકની ટકાવારીમાં ફેરફાર જોવા મળ્યો છે. ૨૦૦૭માં  ભારતીય થાળીમાં કડધાન્યની ટકાવારી જે ૨૪ ટકા હતી તે ૨૦૧૨માં વધીને ૨૯ ટકા થઈ હતી જ્યારે પ્રોટિનયુકત  ખોરાકનો આંક જે ૩૪ ટકા હતો તે ઘટીને ૩૧ ટકા પર આવી ગયો હતો. અનાજ ખાસ કરીને કઠોળના ઊંચા ભાવ આ બદલાવ માટે જવાબદાર માનવામાં આવે છે. ઘરઆંગણે ઊગતા કઠોળના ઊંચા ભાવને કારણે  નીચલા તથા મધ્યમ વર્ગના ભારતીય પરિવારો આયાતી કઠોળ ખાવા તરફ વળવા લાગે છે.  ભારત વર્ષે  અંદાજે ૩૫૬૫૦૦૦ ટન કઠોળની આયાત કરે છે.  પરંતુ ભાવ ઘટે છે ત્યારે ઘરેલું કઠોળને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું જોવાયું છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતમાં  મોટાભાગના પરિવારોનો પ્રોટિનવાળા ખોરાક પાછળનો ખર્ચ લગભગ સરખો છે. આમ ભારતીયો પ્રોટીનયુકત ખોરાક કરતા કડધાન્ય વધુ ખાતા હોવાનું જોવા મળે છે. ભારતમાં અનાજની સરખામણીએ કઠોળના ઉત્પાદનમાં  ચાલીસ વર્ષમાં  વસતિ પ્રમાણે એટલો વધારો થયો નથી. દેશની કૃષિ નીતિનો મુખ્ય હેતુ કઠોળઅનાજના ઉત્પાદન વધારવાને લગતો રહ્યો છે છતાં ૧૯૫૧-૫૨માં તેનું ઉત્પાદન જે ૫.૨૦ કરોડ ટન પરથી વધીને આજે  વાર્ષિક ૨૫ કરોડ ટનથી સહેજ ઉપર રહે છે. ૧૯૬૦-૬૧થી ૨૦૧૦-૧૧ના સમયગાળામાં અનાજના વાર્ષિક ઉત્પાદનમાં સરેરાશ બે ટકાથી ઓછી વૃદ્ધિ રહી છે જ્યારે અનાજના ઉપભોગતા મનુષ્યની વસતિનો વિકાસ બે ટકાથી વધુ રહ્યો છે. આમ ઉત્પાદનની સરખામણીએ તેને વાપરનારાની સંખ્યા વધુ રહેતા અનાજનો માથાદીઠ વપરાશ ઘટયો છે. અનાજ ઉપરાંત પ્રોટિનયુકત અનાજનું ઉત્પાદન પણ માગ પ્રમાણે વધ્યું નથી. શહેરીકરણ અને વપરાશકારોની પસંદગી બદલાતા આ પદાર્થોની માગ વધી છે જેને કારણે ખાધાખોરાકીના ફુગાવાની જાળવણી કરવાનું મુશ્કેલ બનતું જાય છે. દેશમાં કઠોળનું વાવેતર મધ્ય વિસ્તારમાં થાય છે અને બિહાર તથા ઝારખંડ જેવા રાજ્યો પણ કઠોળના ઉત્પાદનમાં ફાળો આપે છે પરંતુ કઠોળના સૌથી વધુ  વપરાશ ઉત્તર તથા દક્ષિણ ભારતમાં થતું હોવાનું અભ્યાસમાં નોંધાયું છે. પ્રોસેસિંગ તથા માર્કેટિંગમાં આધુનિકતાનો અભાવ તથા કઠોળ ઊગાડતા ખેડૂતોને સ્રોતોનો અભાવ ગરીબ ખેડૂતો માટે મુખ્ય રુકાવટ બની રહે છે. સ્રોતોના અભાવે ખેડૂતો કૃષિ પેદાશોની ઉપજ વધારી શકતા નથી જેને કારણે પોષકતત્વોના લાભો દેશના નાગરિકોને મળવા જોઈએ તે પ્રમાણમાં મળતા નથી.  કૃષિ પેદાશોનું ઉત્પાદન વધારવા અને ઉપજમાં  સુધારો કરવા પર ધ્યાન આપવું એ સારો લાંબા ગાળાનો વ્યૂહ છે પરંતુ ટૂંકા તથા મધ્યમ ગાળે કઠોળના વાવેતરમાં વધારો કરવાની નીતિ અપનાવાય તે જરૃરી છે. કઠોળના વાવેતરમાં વધારો થવાથી એક તો ઘરઆંગણે તેના પૂરવઠામાં વધારો થશે જે ભાવ નીચા રાખવામાં મદદરૃપ બનશે તથા ભારતીય પરિવારોને પ્રોટિનયુકત ખોરાકની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થશે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુ એડેડ પ્રોટિન પ્રોડકટસમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન શહેરી યુવાનોની પ્રોટિનવાળા ખોરાક માટેની વધેલી માગને પહોંચી વળવામાં મદદરૃપ થશે. દેશમાં કઠોળની કેટલી આવશ્યકતા છે તેની ખેડૂતોમાં જાગૃતતા લાવવી જરૃરી છે. કઠોળની માગમાં હાલમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે તે જોતા આવનારા વર્ષોમાં કઠોળની આયાત પર નિર્ભરતામાં પણ વધારો થતો જશે જે ભારત જેવા વિદેશી હૂંડિયામણની ખેંચ અનુભવતા દેશ માટે સારી નિશાની ન કહી શકાય.

સ્ટીલ ઉદ્યોગની મંદીથી ચિંતીત બનેલી બેંકો

nullnullnullnull

દેશનો સ્ટીલ ઉદ્યોગ હાલ વિવિધ સમસ્યાઓનો  સામનો કરી રહ્યો છે. આર્થિક મંદીના પગલે વિવિધ  ઉદ્યોગોમાં વિકાસનો  વેગ ધીમો પડયો છે  અને તેના પગલે  સ્ટીલની માગને  અસર થઈ છે. એક બાજુ માગની મંદી સામે  બીજી બાજુ  દરિયાપારથી  વધેલી આયાતના  બેતરફી માર વચ્ચે ઘરઆંગણાની  સ્ટીલ બજારો અને  ઉદ્યોગો ભીંસાતા રહ્યા છે. દરિયાપારથી  વધેલી  આયાતો વિસ્વ નિકાસકાર દેશો દ્વારા થતી ડમ્પિંગના સ્વરૃપમાં વધી છે. ચાલુ વર્ષના એપ્રિલથી અત્યાર  સુધીના ગાળામાં  ગણતાં  દેશમાં સ્ટીલની  કુલ આયાતમાં આશરે  ૫૮ ટકાથી   વધુની વૃદ્ધી  થઈ હોવાનું  જોઈન્ટ  પ્લાન્ટ  કમિટીના   આંકડાઓ  જણાવે  છે. આમાં  ફલેટ સ્ટીલ  ઉત્પાદનો  એમ બંનેનો  સમાવેશ થાય છે. ભારતમાં  ખાસ કરીને  ચીનથી  તાજેતરમાં  આયાત વધી છે.  ચીન  ઉપરાંત જાપાન,  દક્ષિણ કોરિયા,  દેશના વિ. દેશોમાંથી  પણ ભારતમાં  સ્ટીલની આયાત તાજેતરમાં  વ્યાપક બનતાં   સ્ટીલ ઉદ્યોગ સફાળો જાગ્યો છે.
દરિયાપારથી આવતા બિનવ્યાજબી  આયાતના   પ્રવાહને  રોકવા એન્ટી ડમ્પિંગ  ડયુટીની   માગણી  ઉઠી છે અને સરકારે તેને હકારાત્મક  પ્રતિસાદ પણ આપ્યો છે. આવી સેફ ગાર્ડ  ૨૦ ટકા ડયુટી પછી શું સ્ટીલ ઉદ્યોગ  ફરી બેઠો  થઈ જશે?  શું બજારોમાં  ફરી રોનક આવશે?  એવો પ્રશ્ન  પૂછાતો થયો છે. દરિયાપારથી આયાત  વધતાં  ચાલુ વર્ષે  ફલેટ સ્ટીલના બજાર ભાવોમાં  ૧૫થી ૨૦  ટકાનું ગાબડું  પડયું છે.  બજારો ચિંતીત બની છે ત્યારે લાખ્ખો કરોડો રૃપિયાનું ધિરાણ લઈને બેઠેલો સ્ટીલ ઉદ્યોગ વધુ  ચિંતીત બન્યો છે.  આ ઉદ્યોગને ધિરાણ આપનાર બેંકો પણ ચિંતીત બની છે.  ચિંતાનું ચક્ર સતત ફરતું રહ્યું  છે. અત્યાર સુધીના અનુભવમાં  એવું જાણવા મળ્યું  છે કે જયારે જયારે ભારતમાં  કોઈપણ ચીજની ઈમ્પોર્ટ  ડયુટી વધારવાઈમ્પોર્ટ  ડયુટી  વધ્યા પછી   દેશમાં  ફલેટ સ્ટીલની ઈમ્પોર્ટ  કોસ્ટ ઉંચી  જતાં આવું  ફલેટ સ્ટીલ કાચા માલ તરીકે વાપરતા દેશના કાર અને કન્ઝયુમર ડયુરેબલ્સના ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધી થશે. આ ઉત્પાદકો  ભાવ વધારો ગ્રાહકો પર લાદશે. આના પગલે આ ઉત્પાદનોની  માંગને પણ અસર થશે.  દેશના અર્થતંત્ર  માટે આ વાત નિરુત્સાહી સાબીત થશે. ડયુટી પછીની આયાત પડતર ગણતાં  દેશમાં હોટરોલ્ડ સ્ટીલની આયાત પડતર  ટનદીઠ ૪૫૫ ડોલર આસપાસ થાય છે  જેની સામે  જૂન  ત્રિમાસિકમાં  આવી પડતર  ૪૬૨ ડોલરની તથા ૨૦૧૪ -૧૫ના નાણાં વર્ષમાં  ૫૫૦ ડોલર નોંધાઈ હતી. ભારતમાં સ્ટલીની આયાત પડતર સામે ઘરઆંગણે બનતા સ્ટીલના ભાવો પ્રીમિયમમં ચાલતા રહ્યા છે. આના પગલે આયાત વધે છે.  

યુવાધનનું ગૌરવ લેવાય છે પણ યોગ્ય નોકરીનો અભાવ

nullnullnullnull

યુનોના વસતિ વિભાગે તાજેતરમાં જ વિશ્વની ભાવિ વસતિ પરનો તેનો સુધારિત અહેવાલ રજુ  કર્યો છે. આ અહેવાલ પ્રમાણે વિશ્વની વસતિ જે એક દાયકા પહેલા વાર્ષિક ૧.૨૪ ટકાના દરે વધતી હતી તે હાલમાં ૧.૧૮ ટકાના દરે વધી રહી છે.  વિશ્વની હાલની વસતિ જે  ૭.૩૦ અબજ છે તેમાં આગામી પંદર વર્ષમાં ૧ અબજનો ઉમેરો થવાનો અંદાજ છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વની વસતિ વધીને ૮.૫૦ અબજ અને ૨૦૫૦માં આ આંક ૯.૭૦ અબજ પર પહોંચી જવા ધારણાં છે. વિશ્વની ૬૦ ટકા પ્રજા એશિયાના દેશોમાં વસે છે. ચીન તથા ભારત સૌથી વધુ વસતિ ધરાવતા દેશ છે. વિશ્વની ૧૯ ટકા વસતિ ચીનમાં જ્યારે ૧૮ ટકા ભારતમાં વસે છે.  વસતિની દ્રષ્ટિએ ભારત જે અગાઉ ૨૦૨૮માં ચીન કરતા આગળ નીકળી જવાની ધારણા રખાતી હતી તે હવે ૨૦૨૨માં જ  ચીનને પાર કરી જવાનો અહેવાલમાં અંદાજ મુકાયો છે. સાત વર્ષ પછી બને દેશો  દરેક ૧.૪૦ અબજની વસતિ ધરાવતા થઈ જવાની ધારણાં છે એટલે કે વિશ્વની કુલ વસતિમાંથી ૨.૮૦ અબજ વસતિ આ બે દેશો ધરાવતા થઈ જશે. ૨૦૨૨ પછી ભારતની વસતિ ૨૦૩૦ સુધીમાં ૧.૫૦ અબજ અને ૨૦૫૦ સુધીમાં ૧.૭૦ અબજ થઈ જવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. જ્યારે ૨૦૩૦ પછી ચીનની વસતિમાં સાધારણ ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે.
ભારતની લોકસંખ્યાના વિભાજન વિશે ઘણું જ લખાઈ રહ્યું છે. યુનોના અંદાજ પ્રમાણે ભારત સૌથી વધુ યુવા વસતિ ધરાવે છે. ભારતની કુલ વસતિમાંથી ૮૩.૫૦ કરોડ યુવાધન એટલે કે ૩૫ વર્ષથી નીચેની વયના છે એટલે કે ૬૬ ટકા યુવાન વસતિ છે જ્યારે ચીનમાં આ આંક ૪૭ ટકા છે. આટલી જંગી માત્રામાં યુવાધન હોવાછતાં ભારતમાં વૃદ્ધત્વ જોવા મળે છે.  ભારતમાં ૩૫ વર્ષથી નીચેના લોકોની વસતિ ૨૦૫૦માં ૪૭ ટકાથી નીચે ચાલી જવાની યુનોના અહેવાલમાં અંદાજ મુકાયો છે. ૨૦૫૦માં ચીન માત્ર ૩૩ ટકા યુવાધન ધરાવતું રાષ્ટ્ર બની રહેશે. ભારતનો પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ ૧૧.૭૦ છે એનો અર્થ ૬૫ વર્ષથી ઉપરની દરેક એક વ્યક્તિ સામે કામકાજ કરવાની વય ધરાવનારાની સંખ્યા ૧૨ જેટલી છે. પોટેન્સિયલ સપોર્ટ રેશિઓ એટલે  અન્યો પર નિર્ભર રહેનારાઓનું પ્રમાણ. ૨૦૫૦ સુધીમાં ભારતનું આ પ્રમાણ ઘટીને પાંચ  જ્યારે ચીનનું બે થઈ જવાની ધારણાં છે. પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ  ઊંચો હોવાનો અર્થ તેનો જીડીપી આંક પણ પ્રમાણમાં ઊંચો રહેવો જોઈએ. આ ત્યારે જ શકય બની શકે છે જ્યારે તે માટેની નીતિઓ સાનુકૂળ હોય. સાનુકૂળ નીતિ કામકાજ કરી શકે તેવી વસતિને લેબર ફોર્સ તરફ વાળી શકે છે, જેને પરિણામે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ઊંચો જોવા મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારતનો લેબર ફોર્સ વધીને ૫૬.૮૪ કરોડ રહેવાની પણ અહેવાલમાં ધારણાં મુકાઈ છે. આમ આ આંક આપણા નીતિવિષયકો માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે હાલના કરતા આ આંક ૪.૨૯ કરોડ વધુ છે, એટલે કે આગામી પાંચ વર્ષમાં સવાચાર કરોડ નવા રોજગાર ઊભા કરવાના રહેશે. આવનારા વર્ષોમાં ભારત વધુ યુવાધન તથા વધુ લેબર ફોર્સ ધરાવતો દેશ બનવાની તૈયારીમાં છે ત્યારે મહત્વના એવા આ સ્રોતોનો યોગ્ય ઉપયોગ થાય તે જરૃરી છે. એટલે કે આ સ્રોતનો પ્રોડકટિવ ઉપયોગ થવો રહ્યો. લેબર પ્રોડકટિવિટીની વાત કરીએ તો ભારતની લેબર પ્રોડકટિવિટીનો વિકાસ દર ૨૦૧૫ના અંતે પૂરા થયેલા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ ૩.૮૦ ટકા હતો જ્યારે ચીનનો આ દર ૭.૪૦ ટકા રહ્યો છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ  વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૩૬૩૭ ડોલર છે જ્યારે ચીનમાં આ આંક ૨૩૮૦૯ ડોલર છે. ભારતમાં ઉત્પાદનક્ષમતાનો નીચો દર તેને વારસામાં મળેલા યુવાધનનો ખરા અર્થમાં ઉપયોગ થતો નહીં હોવાનું સૂચવે છે. દેશના લેબર ફોર્સની ઉત્પાદનક્ષમતાના નીચા દર માટે આવશ્યક તાલીમનો અભાવ હોવાનું માનવામાં આવે છે.  આવશ્યક તાલીમ નહીં મળી શકતા દેશને સ્કીલ લેબર ફોર્સ મળતો નથી. ફિક્કીના અગાઉના એક અહેવાલ પ્રમાણે, દેશમાં લેબર ફોર્સમાંથી માત્ર બે ટકાને જ કામને લગતી પૂરતી તાલીમ મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારત તાલીમબદ્ધ કર્મચારીની અછત તથા વધુ પડતા અનસ્કીલ્ડ લેબરની સમશ્યાનો સામનો કરતું હશે. દેશમાં પ્રવૃત અનેક આઈટી કંપનીઓ દ્વારા ભરતી કરાતા એન્જિનિયરોને ભરતી પછી પણ તાલીમ આપવી પડે છે. ૨૦૧૧માં જાહેર કરાયેલી નેશનલ મેન્યુફેકચરિંગ પોલીસિ હેઠળ ૨૦૨૨ સુધીમાં ઉત્પાદન ક્ષેત્રમાં ૧૦ કરોડ વધારાના રોજગાર ઊભા કરવા સાથે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૨૫ ટકા પર લાવવાની નેમ રખાઈ છે. ઉત્પાદન ક્ષેત્રમાં ઊભા કરાતા દરેક રોજગારની બહુવિધ અસર જોવા મળે છે. એક નવો રોજગાર સંબંધિત બેથી ત્રણ નવા રોજગાર ઊભા કરે છે, એમ પોલીસિમાં જણાવાયું હતું. વધી રહેલા મોટી સંખ્યાના લેબર ફોર્સને સ્થાન આપવા દેશના ઉત્પાદન ક્ષેત્રનો દ્વીઅંકમાં વિકાસ થાય તે જરૃરી છે. વર્તમાન કેન્દ્ર સરકારે આપણા ઉદ્યોગોની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવા દેશના  યુવાનો તથા યુવતિઓમાં સ્કીલ વધારવા ખાસ યોજના ઘડી છે ત્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના  દેશના વિવિધ મંત્રાલયના સ્કીલ ડેવલપમેન્ટના આંકડા  પર નજર નાખવામાં આવે તો તે ખાસ ઉત્સાહજનક નહીં હોવાનું જણાય છે.  મોદી સરકાર પોતાના વિવિધ મંત્રાલયોને કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન આપી રહી હોવા છતાં  ૨૦૧૪-૧૫ના વર્ષમાં સ્કીલ ડેવલપમેન્ટનો ટાર્ગેટ હાંસલ થઈ શકયો નહતો. નવા રચાયેલા સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યુઅરશિપ મંત્રાલય હેઠળની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી (એનએસડીએ) દ્વારા એકત્રિત કરાયેલા આંકડામાં ૨૧ વિભાગો અને મંત્રાલયોએ ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ ૭૬ લાખ  લેબર ફોર્સને તાલીમ પૂરી પાડી હતી  જ્યારે ટાર્ગેટ એક કરોડ પાંચ લાખ લોકોને તાલીમ  આપવાનો હતો. આપણા દેશમાં એન્જિનિયર થઈને બહાર પડતા યુવાન-યુવતિઓમાંથી ૭૦ ટકાને વ્યાપક તાલીમની આવશ્યકતા રહે છે એમ ક્રિસિલના એક અહેવાલમાં જણાવાયું છે. તેમનામાં ટેકનિકલ સ્કીલ્સનો અભાવ રહે છે. ભારતની વસતિમાં યુવાધનની વિપુલ માત્રા આપણી માટે જમા પાસુ છે ત્યારે આ યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે. પોતાની વસતિના જોરે જો ચીન વિશ્વનું ઉત્પાદન મથક બની શકતું હોય તો યુવાધનના જોરે ભારત માનવ સ્રોતનું મથક શા માટે ન બની શકે. માનવ મૂડીનો વિકાસ થાય તે જરૃરી છે તેની સાથોસાથ રોજગાર માટેની તકો પણ ઊભી કરવી અનિવાર્ય બની રહે છે.  યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે.

કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા સરકાર પર દબાણ

nullnullnullnull

નવી સરકારની રચના થયે સવા વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ સવા વર્ષના કાર્યકાળમાં હજુ સુધી આંખે ઊડીને વળગે એવી કોઇ બાબત નજરે પડતી નથી. તો બીજી તરફ સરકાર દ્વારા જે મુદ્દા આગળ વધવા માટે હાથ ધરાયા છે તેમાં પણ ભારે વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. જેનો તાજો દાખલો છે સંસદનું ચોમાસુ સત્ર.
વિવિધ મોરચે સરકારની અગ્નિ પરીક્ષા થઇ રહી છે. અગાઉ વરસાદ ખેંચાઇ જવાના કારણે દુકાળ જેવો માહોલ ઉદભવ્યો હતો. તો હવે અતિશય વરસાદના કારણે જંગી નુકસાન થવા પામ્યું છે. ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યનો એક ખૂણો એવો બચ્યો નથી કે જ્યાં નુકસાન ના થયું હોય. હવે આ મુદ્દે પણ કેટલીક પ્રતિકૂળતાઓનો સરકારે સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉદભવી છે. આમ, સરકાર સમક્ષ કૃષિક્ષેત્રે સુધારા કરવા એ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. વિવિધ પરિબળોની અસર વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ગગડી રહ્યા છે. ક્રુડના ભાવ ઘટતા સરકારની તિજોરીને ફાયદો થવાનો જ છે, તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ પ્રજા ક્રુડના ભાવ ઘટાડાનો લાભ તેમના સુધી પહોંચે તેમ ઈચ્છી રહી છે. અગાઉ પણ આવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે સરકારે પહેલા પોતાની તિજોરી ભરી હતી અને પ્રજાને છુટીછવાઇ રાહતો જ મળી હતી. જો કે આ વખતે સરકારે પોતાની ક્ષમતા પુરવાર કરવાની રહેશે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો, આ ક્ષેત્રની કામગીરી એટલી સારી નથી. વિવિધ સમિતિઓએ કૃષિ ક્ષેત્રમાં તાકીદે સુધારાઓની કવાયત હાથ ધરવામાં આવે તેવી ભલામણો કરી છે. તેમાં વળી તાજેતરની અતિવૃષ્ટિએ બળતામાં ઘી હોમ્યું છે. બીજા એક મહત્વના મુદ્દાની વાત કરીએ તો, તેમાં એફસીઆઇ આધારીત જાહેર વિતરણ પ્રણાલીની જે દુકાનો છે તે વ્યવસ્થામાં પુનઃગઠનની ભલામણ છે તેમાં અડધું અનાજ લાભાર્થીઓ સુધી પહોંચતું નથી. પાક વીમા પર મિશ્રા સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિએ કૃષિ ક્ષેત્રના પડકારોને પહોંચી વળવા માટે આધુનિક પ્રણાલીઓ પ્રસ્થાપિત કરવામાં આવે તેના પર ભાર મૂક્યો છે. મોદી અમલદારશાહી કાર્યક્ષમ બને તેના પર ભાર મૂકી રહ્યા છે. પણ કૃષિ ક્ષેત્રમાં તેની કોઇ અસર નથી જોવા મળી રહી. નાણાકીય વર્ષ ૨૦૧૫માં સરકારે ૧૫ મિલિયન ટન અનાજનો જથ્થો એફસીઆઇમાં સંઘરાયેલો છે. તેને વેચવાની જાહેરાત કરી જેથી કરીને એફસીઆઇની પડતરમાં ઘટાડો થવાની સાથે સાથે ફુગાવાને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે, પણ હજી ૪ મિલિયન ટન અનાજનું વેચાણ થઇ શક્યું છે. બફર સ્ટોક રાખવાના ધારાધોરણ પ્રમાણે ૪૨ મિલિયન ટનનો સ્ટોક રાખવાનો રહે છે તેની સામે તા. ૧લી જુલાઇની સ્થિતિએ એફસીઆઇ પાસે રૃા. ૫૦,૦૦૦ કરોડનો વધારાનો સ્ટોક હતો. શાંતાકુમાર સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવે તો સરકારે ૧૦ મિલિયન ટનનો જ સ્ટોક રાખવાનો રહે છે. અને ત્યાર પછી સરકારે ઘઉં અને ચોખામાં વાયદામાં ખરીદી કરવાની રહેશે. સરકાર જો આ વખતે સ્ટોકનો નિકાલ કરવામાં વિલંબ કરશે કે પછી તેને કઠોળ અને ખાદ્યતેલની આયાત કરવી પડી તેમજ તેના પરની ઊંચી જકાત ભારણમાં ઘટાડો કરવાની ફરજ પડી, તો સરકારની ફુગાવાને નિયંત્રિત કરવાની ક્ષમતા પર એટલા અંશે પ્રતિકૂળ અસર થશે. ટૂંકમાં સરકાર સમક્ષ હાલ કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા દબાણ થઇ રહ્યું છે. આ મુદ્દો અર્થતંત્રની પારાશીશી સમાન હોઇ સરકારે તેને અગ્રીમતા આપવી જ પડશે અન્યથા તેના વરવા પરિણામ જોવા મળે તો નવાઇ નહીં!!!

હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે

nullnullnullnull

દેશમાં કાર્યરત એરલાઇન્સ કંપનીઓ દ્વારા તહેવારો, વેકેશન તેમજ કોઇ ચોક્કસ પ્રસંગ હોય તે ટાણે હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે. થોડા સમય અગાઉ આ અંગે સરકારને મળેલી ઢગલાબંધ ફરિયાદો બાદ સરકારે હવાઇ ભાડાને અંકુશમાં લાવવા કવાયત હાથ ધરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓ પાસે સ્વનિયમનનું માળખું સૂચવવાની માંગણી કરીને હવાઇભાડાનું નિયમન કરવાની પ્રક્રિયા શરૃ કરી છે. ગત સપ્તાહે મંત્રાલય અને એરલાઇન કંપનીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવાઇભાડાનું નિયમન કરવાનું મિકેનિઝમ હજુ તૈયાર થવાના તબક્કામાં છે ત્યારે બેઠકમાં એરલાઇન્સે વધારે ભીડ ધરાવતા કેટલાક ચોક્કસ રૃટ પર ફ્લાઇટ્સની સંખ્યા વધારવાની દરખાસ્ત કરી હતી. સરકારે કહ્યું હતું કે, ''હવાઇભાડા ગેરવાજબી રીતે ન વધે તેની ખાતરી મળે તેવું માળખુ તૈયાર કરવા માટે અમે એરલાઇન્સ કંપનીઓને સૂચના આપી છે. પોતપોતાના માળખા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. અને આઠથી દસ દિવસ બાદ ફરી મળનારી બેઠકમાં તેના અંગે ચર્ચા કરવામાં આવશે.'' ભાડા પર અંકુશ મેળવવા માટે એરલાઇન કંપનીઓ તહેવારોની સિઝન દરમિયાન ક્ષમતામાં ઉમેરો કરે એવી દરખાસ્ત કોઇએ બેઠકમાં કરી હતી. આથી કંપનીઓ તેમના માળખા ઘડીને તૈયાર થઇ જાય એટલે અમારે તે વિકલ્પો અંગે ચર્ચા કરવી જરૃરી છે. વડાપ્રધાન મોદીએ તેમની તાજેતરની યુએઇ મુલાકાત બાદ કમરતોડ હવાઇભાડાં અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ એરલાઇન્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભાડાં ૨૦ ટકા જેટલા નીચા ગયા હોવાની દલીલ ઉડ્ડયન ઉદ્યોગે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સરકારે આ દલીલની સામે જણાવ્યું હતું કે, ભાડાં સતત ઊંચા રહ્યા હોવાની માન્યતા પ્રવર્તે છે. અને જેટ ઈંધણના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે. તેની સરખામણીએ તો ભાડામાં થયેલો ઘટાડો સાવ નજીવો છે. વિમાની ભાડા અંગેની એરલાઇન્સ કંપનીઓની દરખાસ્ત ખૂંચે તેવી છે. કારણકે, ક્રૂડના ભાવ જે રીતે ઘટયા છે તે રીતે જ એર ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  આમ, આ વાસ્તવિકતા સાથે એરલાઇન્સ કંપનીઓ દ્વારા વસુલાતા ભાડા પ્રમાણમાં ઊંચા જ છે. તેમ છતાં, આ મુદ્દે વિરોધાભાસ ઉદભવે તેવું નિવેદન સરકાર દ્વારા ભરાઇ રહેલા પગલા સામે અવરોધ ઊભું કરનારું છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે એટલે કે હવાઇ ભાડા નિયંત્રણના મુદ્દે સરકાર કેટલી આગળ વધે છે....