Himanshu Kikani
| Jul 16, 2015, 19:58PM IST
સીપીયુનું કદ તદ્દન ઘટી ગયું! આઈ-બોલે લોન્ચ કર્યાં પેનડ્રાઈવ સાઈઝનાં કમ્પ્યુટર
-ક્રોમકાસ્ટને ટીવી સાથે કનેક્ટ કરતાં, સ્માર્ટફોનના સ્ક્રીન તરીકે મોનિટરનો ઉપયોગ કરી શકાય છે.
કમ્પ્યુટર આ એક નાના અમથા શબ્દમાંથી, હજી નાનો અમથો, છેલ્લો ‘ર’ કાઢી નાખીએ તો શું થાય? કમ્પ્યુટરની સાઇઝ અને વજન બંનેમાં ધરખમ ઘટાડો થઈ જાય! માન્યામાં નથી આવતુંને? હમણાં હમણાં, કમ્પ્યુટરના પ્રાણ સમા પ્રોસેસર બનાવતી કંપની ઇન્ટેલ અને સ્માર્ટફોન-ટેબ્લેટના ક્ષેત્રે નામ જમાવી રહેલી આઇ-બોલ કંપનીએ બિલકુલ એક પેનડ્રાઇવની સાઇઝનાં કમ્પ્યુટર લોન્ચ કર્યાં છે. આઇ-બોલે પોતાની પ્રોડક્ટનું નામ ‘સ્પ્લેન્ડો’ રાખ્યું છે, જ્યારે ઇન્ટેલે ‘ર’ની બાદબાકી કરીને નામ પાડ્યું છે ‘કમ્પ્યુટ’!
છેલ્લા થોડા સમયથી કમ્પ્યુટિંગના ક્ષેત્રે જે ઉથલપાથલ ચાલી રહી છે એ ખરેખર રસપ્રદ છે. કમ્પ્યુટર આખેઆખા રૂમ જેટલી જગ્યા રોકતાં એ જૂના જમાનાને બાદ કરીએ તો હજી થોડા સમય પહેલાં એવી સ્થિતિ હતી કે કમ્પ્યુટર એટલે સીપીયુ, મોનિટર, કી-બોર્ડ અને માઉસનો જમેલો. પછી લેપટોપ, મેકબુક વગેરે આવ્યાં અને પર્સનલ કમ્પ્યુટર જરા વધુ પર્સનલ બન્યા. પછી, વળી લેપટોપની નાની બહેન જેવી નેટબુક આવી ને પછી અલ્ટ્રાબુક પણ આવી. બીજા છેડે સ્માર્ટફોન કમ્પ્યુટરનું ઘણું બધું કામ કરવા લાગ્યા અને એનો સ્ક્રીન નાનો પડ્યો એટલે આઇપેડ, ટેબ્લેટ, ફેબ્લેટ વગેરે આવ્યાં. પછી લેપટોપ અને ટેબ્લેટ બંનેની જેમ કામ આપે જેવી કન્વર્ટિબલ અલ્ટ્રાબુક્સ પણ આવી. વચ્ચે ગૂગલે ક્રોમબુક નામે નવો ચીલો ચાતરવાની કોશિશ કરી.
આ બધી કસરતના મૂળમાં, કમ્પ્યુટરનું વજન અને કદ શક્ય એટલું ઘટાડીને રોજિંદું કામકાજ વધુ ને વધુ સહેલું બનાવવાની મથામણ રહેલી છે. પેનડ્રાઇવ જેવડું કમ્પ્યુટર આ જ મથામણનું એક નવું પરિણામ છે.આપણા કમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ જેવું ડોંગલ લગાવીને નેટ કનેક્શન મેળવી શકાય છે, એમ આ પેનડ્રાઇવ જેવા કમ્પ્યુટરને એચડીએમઆઇ પોર્ટ ધરાવતા ટીવી (હવે મોટા ભાગનાં સારાં ટીવીમાં આ સુવિધા હોય છે) કે મોનિટર સાથે કનેક્ટ કરીને તેને કમ્પ્યુટરના મોનિટર તરીકે વાપરી શકાય છે.
ગૂગલે ક્રોમકાસ્ટ નામે આવું એક સાધન વિક્સાવ્યું છે, પણ એ જરા જુદા પ્રકારનું છે. તેને ટીવી સાથે કનેક્ટ કરતાં, સ્માર્ટફોન કે ટેબલેટના સ્ક્રીન તરીકે મોનિટરનો ઉપયોગ કરી શકાય છે, એ અર્થમાં ક્રોમકાસ્ટ મોનિટર અને મોબાઇલ ડિવાઇસને ફક્ત કનેક્ટ કરવાનું કામ કરે છે, એથી વધુ નહીં. જ્યારે આ પીસી ઇન એ સ્ટિક, પોતે જ એક કમ્પ્યુટર તરીકે કામ કરે છે, એ પણ સ્ટ્રેઇટ આઉટ ઓફ ધ બોક્સ!
એટલે કે તેમાં ઓપરેટિંગ સિસ્ટમ, મેમરી કે સ્ટોરેજ ઉમેરવાની જરૂર નથી. બધું જ આ ટચૂકડા સાધનમાં મોજૂદ છે. ઇન્ટેલની વાત કરીએ તો તેના સાધનમાં વિન્ડોઝ 8.1 ઓએસ પ્રિઇન્સ્ટોલ્ડ છે (લિનક્સનું ઉબન્ટુ સાથેનું વર્ઝન પણ તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કદાચ આવી ગયું હશે). 1.83 ગીગાહર્ટ્ઝનું ક્વોડ કોર ઇન્ટેલ એટમ પ્રોસેસર છે (જે પેલી નેટબુકમાં હતું), એક ફુલ સાઇઝ યુએસબી પોર્ટ છે. 2 જીબી રેમ છે, ૩૨ જીબીની સ્ટોરેજ છે અને એક્સ્ટ્રા સ્ટોરેજ માટે માઇક્રોએસડી કાર્ડનો સ્લોટ છે. તેમાં ઇન્ટેલ એચડી ગ્રાફિક્સ પણ છે, તેની મદદથી ૩ડી ગેમ પણ સારી રીતે ચલાવી શકાય છે. આ ટચૂકડા પીસીમાં વાઇ-ફાઈ અને બ્લુટૂથની સુવિધા પણ છે. એટલે ઇચ્છો તો તેમાં વાયરલેસ કી-બોર્ડ અને માઉસ પણ કનેક્ટ કરી શકાય. એક સમાચાર અનુસાર, પ્લે સ્ટોરમાંથી ઇન્ટેલની એક એપ ડાઉનલોડ કરીને, સ્માર્ટફોનને કમ્પ્યુટ સ્ટિકના કીબોર્ડ તરીકે પણ વાપરી શકાય છે.
આઇ-બોલના સ્પ્લેન્ડોમાં પણ લગભગ આ જ બધી સુવિધા છે, કેમ કે તે ઇન્ટેલના કમ્પ્યુટ પર જ આધારિત છે. પીસીને તદ્દન નાનું કરી નાખનારી ઇન્ટેલ પહેલી કંપની નથી. અગાઉ ડેલ કંપનીએ પણ આવું જ કંઈક કર્યું હતું, પણ તેમાં વિન્ડોઝને બદલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હતી. ટીવીને કમ્પ્યુટરમાં ફેરવી નાખતાં આવાં એન્ડ્રોઇડ આધારિત ડોંગલ ખાસ કરીને દક્ષિણ એશિયામાં ઘણાં લોકપ્રિય થયાં છે. હવે પેલી મારુતિની અફલાતૂન જાહેરાતમાં જોવા મળ્યો હતો તે, અસલ ભારતીય મિજાજ બતાવતો મૂળ મુદ્દાનો સવાલ – કિતના દેતી હૈ? ને બદલે આપણે પૂછી શકાય કંપની કિતના લેતી હૈ? ઇન્ટેલની સ્ટિક રૂ. 9,999માં અને આઇ-બોલ સ્પ્લેન્ડો રૂ. 8,999માં ઉપલબ્ધ છે.
હજી તેનાથી વધુ મહત્ત્વનો સવાલ એ છે કે આવું કમ્પ્યુટર આપણે ખરેખર કામનું છે? જવાબ મુશ્કેલ છે. તમે મોટા સ્ક્રીન પર કામ કરવા માગતા હો, બોર્ડરૂમમાં પ્રેઝન્ટેશન કરવા માગતા હો કે બહારગામ જતી વખતે મહત્ત્વની ફાઇલ્સ સાથે રાખવી હોય, પણ આખું લેપટોપ સાથે રાખવું ન હોય... વગેરે વગેરે કારણો હોય તો આ સ્ટિક તમને કામ લાગી શકે છે. અલબત્ત, અત્યારે પ્રાથમિક અહેવાલો કહે છે કે આ બિલકુલ પ્રાથમિક વર્ઝન છે, તેથી તેનું પર્ફોર્મન્સ આપણી કમ્પ્યુટર પાસેની અપેક્ષાઓ પૂરી ન કરી શકે એવું બની શકે છે.
No comments:
Post a Comment