
શ્રી
રાધા મહાત્મય - શ્રી કૃષ્ણના વિહારસ્થાન ગોલોકમાં શ્રી રાધાજી ગોલેકેશ્વરી
તરીકે વિદ્યમાન છે. સૃષ્ટિના આરંભકાળે શ્રીકૃષ્ણ પોતે આપમેળે બે રૃપોમાં
પ્રગટ થતાં, એકરૃપ તે પ્રકૃતિ અને બીજું રૃપ તે પુરુષ. જમણું અંગ પુરુષ અને
ડાબુ પ્રકૃતિ. આ મૂળ પ્રકૃતિ પોતે જ રાધા છે. આ રાધા જ પોતે બ્રહ્મસ્વરૃપા
નિત્ય અને સનાતન છે. ત્યારબાદ એમનાં પાંચ રૃપ થયાં. (૧) શિવસ્વરૃપ નારાયણી
અને પૂર્ણ બ્રહ્મસ્વરૃપ ભગવતી દુર્ગા (૨) શુધ્ધ સત્વ સ્વરૃપે શ્રીપ્રભુની -
શ્રી હરિની શક્તિ અને સમસ્ત સંપત્તિની અધિષ્ઠાતી દેવીરૃપે મહાલક્ષ્મી (૩)
વાણી, બુધ્ધિ, વિદ્યા અને જ્ઞાાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતિ (૪)
બ્રહ્માજીની પરમપ્રિય શક્તિરૃપે સાવિત્રી અને (૫) પ્રેમ પ્રાણોની
અધિદેવીરૃપે પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રાણાધિકા પ્રિયારૃપે સમગ્ર દેવીઓમાં
અગ્રગણ્ય શ્રીકૃષ્ણની પ્રાણવલ્લભારૃપે, સંજીવિની શક્તિરૃપે, શ્રીકૃષ્ણની
આત્મારૃપે શ્રી રાધા તરીકે.
આ મૂળ પ્રકૃતિ દેવીના અંશ, કલા, કલાંશ અને કાલાંશાંશ ભેદથી અનેકરૃપ છે.
જેવાં કે ગંગા, તુલશી, મનસા, દેવસેના, ષષ્ઠી, કાલી, પૃથ્વી, સ્વાહા અને
સ્વધા. વળી મૂળ પ્રકૃતિ રાધાના સંગથી 'કમલા'ની ઉત્પત્તિ થયેલ છે. શ્રી
કૃષ્ણને માનવ અવતાર તરીકે પ્રગટ થવાના બે વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે કરવાનાં
કાર્યો વગેરેની પૂર્વભૂમિકા રૃપે તેવા વાતાવરણની સ્થાપના કરવાના હેતુથી
શ્રી વૃષભાનુજી ગોપને ત્યાં સવારના છ વાગે ભાદરવા સુદ આઠમના દિવસે તેમના
યજ્ઞાકુંડમાં પ્રગટ થયાં હતાં. આ દિવસ 'રાધાષ્ટમી' તરીકે ઓળખાય છે અને
ધામધુમથી ઊજવાય છે. આ પહેલાં શ્રી યમુનાજી શ્રીકૃષ્ણના હૃદયમાંથી પ્રવાહિત
થઈ, શ્રી રાધાજીને સર્વ રીતે સહાયભૂત થવા માટે પ્રગટ થયાં હતાં. માટે જ
વૃન્દાવનમાં આવેલા મદન ટેર પર પડાવ નાખીને શ્રી રાધાજીના અનન્ય ભક્તરાજ અને
શિષ્ય શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીએ 'યમુનાષ્ટક' નામે શ્રી યમુનાજીની
સ્તુતિ કરેલ છે.
શ્રીરાધાજીની અજોડ વિશેષતા : એમની સુંદરતા, લાવણ્ય અને કરૃણા અજોડ છે.
રૃપની સામ્રાજ્ઞી અને કરૃણામૂર્તિ રૃપે છે. પ્રેમ એટલે નિષ્કામ પ્રેમની તેઓ
અધિષ્ઠાત્રી રૃપે છે. રસની ઉત્પત્તિનું મૂળ શ્રી રાધાજી છે. 'રાધા'માં 'ર'
એટલે રસ અને 'ધ' ધારા છે. અને જ્યારે પ્રેમ અને રસ એટલે કે 'પ્રેમરસ' થઈ
જાય છે ત્યારે અલૌકિકતાનાં દર્શન થાય છે. રાધા એટલે રસની ધારા. આ પ્રેમ
રસધારાની રેલમછેલની વાત જ ન્યારી છે. શ્રી રાધાજીની કૃપાથી શ્રી
શ્યામસુંદરનાં દર્શન થાય છે. ખરેખર તો શ્રીકૃષ્ણ પ્રેમની કલ્પલતા છે -
પ્રેમમૂર્તિ છે. જ્યારે શ્રી રાધા શ્રીકૃષ્ણ પ્રેમનું મૂર્ત સ્વરૃપ છે.
મહાભાવ એ પ્રેમનો સાર ગણાય છે. શ્રી રાધાજી મહાભાવ સ્વરૃપે છે. શ્રી રાધા
મહાદેવી, મહાતેજસ્વી અને સૌંદ્રર્યની મહારાજ્ઞાી છે અને શ્રીકૃષ્ણની
પ્રેમલીલાઓ અને ઉપાસનાનું સ્થાન છે. શ્રી રાધા કૃષ્ણનું સ્વરૃપ છે. તેઓ
કૃષ્ણનો જ અંશ હોઈ, તેઓ કૃષ્ણની પ્રેમશક્તિ છે. શ્રી કૃષ્ણે સંમોહિત કર્યા
છે. અરે! સર્વ દેવોમાં જે દૈવી શક્તિ છે તે શ્રી રાધાજીની છે. સર્વ દેવોથી
માંડીને સૃષ્ટિના સર્વજીવો શ્રી રાધેની શક્તિથી જ અસ્તિત્વ ધરાવે છે.
સર્વના અધિદેવતા જ શ્રી રાધા છે. જો રાધાનું પ્રાગટય ન થયું હોય તો
કૃષ્ણનું પ્રાગટય પણ ન થયું હોત. રાધાજી તો શ્રીકૃષ્ણની સંજીવિની શક્તિ છે.
જગત કૃષ્ણની આરાધના કરે છે ત્યારે શ્રીકૃષ્ણ રાધાજીની આરાધના કરે છે.
શ્રી કૃષ્ણ બોલીએ એટલે કે મન, નામમાં રાધાજીનું નામ સમાયેલું જ છે. કારણ કે
'શ્રી' અક્ષર એ જ રાધા છે. તેઓ વૃન્દાવનના પણ સામ્રાજ્ઞાી છે. તેમની કૃપા
સિવાય વૃન્દાવન પ્રવેશ નથી મળતો. તેઓ નિત્ય કિશોરી છે, તેમની ઉંમર સોળ
વર્ષથી વધતી જ નથી. તેમની ચરણરજ પ્રાપ્ત કરવા શ્રી બ્રહ્માજીએ એક હજાર વર્ષ
તપ કર્યું હતું. શ્રી પ્રિયાજીના અંગે અંગમાં ઉજ્જવલ પ્રેમરસ તથા
લાવણ્યકૃપા પૂર્ણ વાત્સલ્ય પ્રવાહ વહ્યા કરે છે. તેઓ માધુર્ય, સામ્રાજ્ય
અને રસની એકમાત્ર સીમા છે. રાધાદેવી વેદોથી પર એવું ગુપ્ત અનુપમ ધન છે.
એમની પદ-નખ છટાના એક કિરણમાં પંચામૃત સમુદ્રની અવધધારા વહેતી રહે છે.
શ્રી રાધાના મુખની માધુરીનું વર્ણન કરવા દેવો, કવિઓ વર્ષોથી પ્રયત્નશીલ
છે, પરંતુ એમણે જોયું કે શ્રી પ્રિયાજીની સુંદરતા સાંસારિક નથી. તેમનું રૃપ
જ સહજ છે. તેમનું રૃપ આત્માથી ભિન્ન નથી. તેમનો દેહ પણ આત્માનું અંગ છે.
ભક્તોને આ સહજરૃપનું ભાન થતાં જ ભજનમાં રસિકતા ઉદય પામે છે. તેમના સમસ્ત
અંગોમાં અનુપમ રૃપનું, સુંદરતાનો વાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે તેઓની
દૃષ્ટિ ધારો કે કાનના કુંડળ પર સ્થિર થાય તો એમાં એમને સુંદરતાનાં દર્શન
કરતાં કરતાં સમય પસાર થઈ જાય અને રાધાજીના સમગ્ર દર્શન બાકી જ રહે છે.
પ્રિયાજીના અંગોની શોભા જોતી કૃષ્ણ પોતાની જાતને સંભાળી શકતા નથી. આ સહજ
સુંદરતાને ઢાંકવા, રસની વૃધ્ધિ માટે સખીગણ તેમના અંગો પર આભુષણો ધારણ
કરાવે છે. શ્રી રાધા સત્ ચિતાનંદમયી છે. તેઓ ચિન્મય સ્વરૃપે છે. આ ચિન્મય
સ્વરૃપમાં મન, બુધ્ધિ, ઈન્દ્રિયો રહેલી છે. એમનું શરીર, મન, વાણી,
શ્રીકૃષ્ણ પ્રેમથી આનંદિત છે. તેઓ મહાભાવ સ્વરૃપા છે. ઐશ્વર્ય, માધુર્ય,
સૌંદર્ય તથા પ્રેમ સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. કૃષ્ણ તેમની આરાધના કરે
છે માટે તેઓ 'રાધા' કહેવાયાં છે. માટે જ રાધાની ભક્તિ શ્રેષ્ઠ છે. 'રા'
અક્ષરનો અર્થ મહાવિષ્ણુ જેમના વિશાળ ભાલમાં કરોડો બ્રહ્માંડો છે. 'ધા' એટલે
ધાત્રી. મુક્તિ અપાવે તે રાધા. રાધારાણીનું સ્વરૃપ સર્વત્ર વ્યાપ્ત છે.
રાધાની સર્વોપરિતા અને રાધાકૃષ્ણ (પ્રિયા-પ્રિયતમ)ની એકરૃપતા
રાધા સ્વયં આનંદ સ્વરૃપ છે. નિરંતર આનંદનું નામ જ રાધા. તેમનો વિહાર પણ
નિત્ય છે, રાસ પણ નિત્ય છે. કેવળ પ્રેમભાવ-હેતભાવ જ રાધાને પામવાનો માર્ગ
છે. તે સ્વયં રાધાભાવનું જ નામ છે. પ્રિયા-પ્રિતમ પ્રેમાવતારો છે. બે શરીર
એક આત્માના રૃપે વિદ્યમાન છે. લીલા કરવા અને રાસ માટે તેઓ પ્રિયા-પ્રિતમ એ
બે રૃપ ધારણ કરે છે. માટે તો 'નિત નિત લીલા, નિત નિત રાસ - નિત નિત
પ્રેમનું નવું નવું રૃપ' શ્રી કૃષ્ણની એક રાધા છે અને શ્રી રાધાના એક કૃષ્ણ
છે. અહીંયા ન કોઈ સાધક કે કોઈ સાધના કે ન કોઈ સાધ્ય છે. બંને 'શ્રીતત્વ'ના
રૃપ છે. બંને એક જ છે પરંતુ એક થઈને બે થયેલા છે. પરસ્પર તત્સુખ ભાવનો
રસાસ્વાદ ન કરવા માટે નિત્ય પ્રેમલીલા કરે છે. વિહાર કરે છે અને તેમાં જ
લીન રહે છે. રાધા તો રસરૃપ સ્વરૃપા છે. આમ તો બ્રહ્મના સગુણ અને નિર્ગુણ
રૃપોની ઉપરાંત એકરૃપ છે જેને ગ્રંથોએ નેતિ નેતિ કહી ઢાંકી રાખ્યું હતું
તેને શ્રી હિતાચાર્યજીએ રાધાવલ્લભ સ્વરૃપે પ્રકાશિત કરેલ છે. આ રસ માર્ગમાં
રસરૃપી દોરીના બે છેડા છે. પહેલો છેડો તે ભાવ જે સાધકના મનમાં ઉત્પન્ન થાય
છે અને એની પાસે જ રહે છે. બીજો છેડો શ્રી પ્રિયાજીનું રૃપ, જે આ ભાવને
ઉચ્ચતમ સ્થિતિમાં લઈ જાય છે. આ બંને છેડા એવા પવિત્ર છે કે સાધક ક્યારેય પણ
કાળના ચક્રમાં ફસાતો નથી. શ્રી રાધા વિના કૃષ્ણ આધા છે. શ્રી રાધાકૃષ્ણ
બંને એક બીજાના ઈષ્ટ છે. શ્રી રાધાકૃષ્ણની ગુરુ છે. માટે તેમના 'વલ્લભ'
સ્વરૃપ સાથે શ્રી રાધા ગાદીના સ્વરૃપે બિરાજમાન છે. કારણ કે ગુરુની તો ગાદી
જ હોય. જેમ સૂર્ય અને પ્રકાશને એકબીજાથી ક્યારેય છૂટા ન પાડી શકાય તેવી
સ્થિતિ પ્રિયા-પ્રિયતમની છે. શ્રી રાધા કૃષ્ણની આત્મા છે જ્યારે શ્રીકૃષ્ણ
આત્મારામ છે. કૃષ્ણના નામમાં 'ણ' આનંદનું પ્રતીક છે. પરંતુ અનંત સત્તા
શ્રી રાધારાણી છે. રાધા ભવબંધનો તોડવાવાળું તત્ત્વ છે. 'રા' અક્ષર બોલતાની
સાથે જ 'ધા' સાંભળવા શ્રીકૃષ્ણ બોલનારની પાસે પહોંચી જાય છે. રાધાનું નામ જ
અણમોલ છે. રાધા નામ જ મંત્ર છે. તેઓ કરૃણામૂર્તિ હોઈ કોઈનું પણ દુ :ખ તેઓ
જોઈ શકતાં નથી. ગમે તેવો જીવ તેમના શરણમાં જાય તે જીવનો ઉદ્ધાર કરવા
શ્રીરાધાજી સ્વયં શ્રીકૃષ્ણને વિનંતી કરે છે.
શ્રી રાધાજીનો પરિવાર અને સખીગણ - લલિતા, વિશાખા, ચિત્રા, સુદેવી, રંગ
દેવી, ઈન્દુ લેખા, તુંગભદ્રા અને ચંપકલતા એમ આઠ સખીવૃંદ છે. જેઓ કેમ કરીને
શ્રી પ્રિયા-પ્રિતમને આનંદ-સુખ મળે તે માટે હમેશાં તત્પર અને કાર્યરત રહે
છે અને આમ કરવામાં જ તેમને આનંદ મળે છે. માતા કિર્તિદા, પિતા વૃષભાનુ,
મોટાભાઈ શ્રી દામા અને નાની બહેન અનંગ મંજરી એ એમનો પરિવાર છે.
કોઈને કોઈ રૃપમાં શ્રી રાધા સર્વત્ર વ્યાપ્ત - વૈદિક શાસ્ત્રોમાં ધન,
અન્ન, પૂજા, નક્ષત્ર આદિ અર્થમાં રાધા શબ્દનો પ્રયોગ થયેલ છે. જયદેવજીના
ગીતોએ રાધાને કાવ્યભક્તિ એવા બંને ક્ષેત્રોમાં પૂર્ણતમ રૃપ આપી તેમને
પ્રેમીકા, નાયિકા, આરાધ્ય દેવી, આદિપૂજ્ય તેમજ પ્રેમાસ્પદ પર સ્થાપિત કરેલ
છે. ખેડૂતવર્ગ તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 'રાધાષ્ટમી'ને 'ધરો આઠમ'
તરીકે ઉજવે છે. ધન એટલે અનાજ, આમ પાકની સંપત્તિ દેનારી દેવી તે રાધા. ધરો
નામનું પવિત્ર ઘાસ છે. જે પૂજામાં આસન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે
ધરો આઠમને દિવસે સ્ત્રીઓ પશુઓ માટે ઘાસચારો લેવા જતી નથી કારણ કે બીજા
ઘાસની સાથે ધરો નામનું ખાસ કપાઈ ન જાય.
રાધાષ્ટમીનો દિવ્ય સંદેશ : શ્રી કૃષ્ણની મહત્તા અને ખ્યાતિ વધારવા
રાધારાણીની પોતાની કોઈ કલા નથી. શ્રીમદ્ ભાગવત જેવા ગ્રંથમાં પણ રાધાજી
સર્વત્ર છે, પરંતુ છૂપાયેલા રહેલ છે માટે તો આ પ્રેમ રાજ્યમાં આવ્યા પછી
શ્રી શ્યામસુંદરે સૃષ્ટિ રચના, પાલન આદિની ચિંતા છોડી દીધી છે. રાધાકૃષ્ણ
જેવો નિર્મળ પ્યાર ભૂતકાળમાં કોઈએ કર્યો નથી, વર્તમાનમાં કોઈ કરી રહ્યું
નથી અને ભવિષ્યમાં કોઈ કરશે પણ નહીં. હૃદયમાં પ્રેમ ભરી રાખો તો આનંદ મળશે.
પ્રેમ કરો, પ્રેમથી રહો. સૌના હિત-કલ્યાણ માટે જીવીને સાર્થકતા પ્રાપ્ત
કરો. રાધા કા નામ અણમોલ, બોલો રાધે રાધે. આમ સારનો સાર શ્રી રાધાનામ છે.
રહે જાવ રાધે રાધે, ચલે આયેંગે બિહારી - માનવ જીવન મળ્યું છે. રાધે રાધે
રટતા જાવ અને જીવન સાફલ્ય બનાવો.