Sunday, September 20, 2015

હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે

nullnullnullnull

દેશમાં કાર્યરત એરલાઇન્સ કંપનીઓ દ્વારા તહેવારો, વેકેશન તેમજ કોઇ ચોક્કસ પ્રસંગ હોય તે ટાણે હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે. થોડા સમય અગાઉ આ અંગે સરકારને મળેલી ઢગલાબંધ ફરિયાદો બાદ સરકારે હવાઇ ભાડાને અંકુશમાં લાવવા કવાયત હાથ ધરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓ પાસે સ્વનિયમનનું માળખું સૂચવવાની માંગણી કરીને હવાઇભાડાનું નિયમન કરવાની પ્રક્રિયા શરૃ કરી છે. ગત સપ્તાહે મંત્રાલય અને એરલાઇન કંપનીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવાઇભાડાનું નિયમન કરવાનું મિકેનિઝમ હજુ તૈયાર થવાના તબક્કામાં છે ત્યારે બેઠકમાં એરલાઇન્સે વધારે ભીડ ધરાવતા કેટલાક ચોક્કસ રૃટ પર ફ્લાઇટ્સની સંખ્યા વધારવાની દરખાસ્ત કરી હતી. સરકારે કહ્યું હતું કે, ''હવાઇભાડા ગેરવાજબી રીતે ન વધે તેની ખાતરી મળે તેવું માળખુ તૈયાર કરવા માટે અમે એરલાઇન્સ કંપનીઓને સૂચના આપી છે. પોતપોતાના માળખા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. અને આઠથી દસ દિવસ બાદ ફરી મળનારી બેઠકમાં તેના અંગે ચર્ચા કરવામાં આવશે.'' ભાડા પર અંકુશ મેળવવા માટે એરલાઇન કંપનીઓ તહેવારોની સિઝન દરમિયાન ક્ષમતામાં ઉમેરો કરે એવી દરખાસ્ત કોઇએ બેઠકમાં કરી હતી. આથી કંપનીઓ તેમના માળખા ઘડીને તૈયાર થઇ જાય એટલે અમારે તે વિકલ્પો અંગે ચર્ચા કરવી જરૃરી છે. વડાપ્રધાન મોદીએ તેમની તાજેતરની યુએઇ મુલાકાત બાદ કમરતોડ હવાઇભાડાં અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ એરલાઇન્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભાડાં ૨૦ ટકા જેટલા નીચા ગયા હોવાની દલીલ ઉડ્ડયન ઉદ્યોગે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સરકારે આ દલીલની સામે જણાવ્યું હતું કે, ભાડાં સતત ઊંચા રહ્યા હોવાની માન્યતા પ્રવર્તે છે. અને જેટ ઈંધણના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે. તેની સરખામણીએ તો ભાડામાં થયેલો ઘટાડો સાવ નજીવો છે. વિમાની ભાડા અંગેની એરલાઇન્સ કંપનીઓની દરખાસ્ત ખૂંચે તેવી છે. કારણકે, ક્રૂડના ભાવ જે રીતે ઘટયા છે તે રીતે જ એર ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  આમ, આ વાસ્તવિકતા સાથે એરલાઇન્સ કંપનીઓ દ્વારા વસુલાતા ભાડા પ્રમાણમાં ઊંચા જ છે. તેમ છતાં, આ મુદ્દે વિરોધાભાસ ઉદભવે તેવું નિવેદન સરકાર દ્વારા ભરાઇ રહેલા પગલા સામે અવરોધ ઊભું કરનારું છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે એટલે કે હવાઇ ભાડા નિયંત્રણના મુદ્દે સરકાર કેટલી આગળ વધે છે....  

No comments:

Post a Comment