Saturday, August 29, 2015

વોટ્સ-એપ' અને 'ફેસબુક'ના વિરહમાં..

.વોટ્સ-એપ' અને 'ફેસબુક'ના વિરહમાં..
ગુજરાતભરની યુવા-પેઢી પરેશાન છે! કારણકે આખા ગુજરાતમાં 'વોટ્સ-એપ' અને 'ફેસબુક' બંધ છે!
ઉપરથી કહે છે કે હજી પહેલી તારીખ સુધી આવું રહેવાનું છે! અરેરે... બિચારા યુવા ગુજરાતીઓ ઉપર શું શું વીતી રહી છે...
* * *
બિચારા યુવાનો વોટ્સ-એપમાં એ જ જુના જુના મેસેજો વાંચીને ટાઇમ-પાસ કરી રહ્યા છે...
- જેમને 'લાઇવ-ચેટ' કરવાની આદત પડી છે એમણે ખરેખર 'ટૉક' કરીને 'લાઇવ-ચેટ' કરવી પડે છે...
- અમુક યુવાનોને લાગી રહ્યું છે કે આ 'બેકવર્ડ' થવાના આંદોલનમાં આપણું બધું 'ફોરવર્ડ' થતું હતું એ બંધ થઇ ગયું છે!
- જેમને 'ફેસબુક'ની ટેવ પડી છે એવા બિચારા બોયફ્રેન્ડો પોતાની ગર્લફ્રેન્ડોના જુના ફોટા ફોનમાં સેવ કરેલા આલ્બમમાં ખોલીને એની પર 'લાઇક' મારવાની કોશિશ કરી રહ્યા છે!
- કંઇ કેટલાય યુવક-યુવતીઓની આંગળીઓ હવે 'કસરત'ના અભાવે દુઃખવા લાગી છે...
- જોકે મોટેભાગના યુવાનો ખુશ છે કે ''હાશ! રક્ષાબંધનની સરપ્રાઇઝ ઈ-રાખડીઓમાંથી આપણે બચી ગયા!''
- તીન-પત્તીના શોખીન જુવાનિયાઓને રીઅલ તીન-પત્તી મોંઘી પડી રહી છે... કારણકે એમાં તો રીયલ પૈસા મૂકવા પડે છે!
- જોકે મોબાઇલમાં હવે કશું 'જોવાલાયક' ન હોવાને કારણે કંઇ કેટલાય યુવકોને પોતાના ઘરનો રસ્તો દૂરથી કેવો દેખાય છે તે જાણવા મળ્યું છે!
- કંઇ લાખો ગુજ્જુ યંગસ્ટર્સને એ પણ ખબર પડી છે કે ન્યુઝપેપર્સમાં તો કેટલી બધી 'ટેક્સ્ટ' હોય છે!
- સૌથી રસપ્રદ વાત એ છે કે જે રીતે વડીલોને છાપાં વાંચવા ના મળે ત્યારે એમને જે કબજિયાતની તકલીફો થાય છે એવી જ કબજિયાત ગુજરાતના હજારો યુવાનોએ છેલ્લા ત્રણ દિવસમાં અનુભવી છે!
- મન્નુ શેખચલ્લી

No comments:

Post a Comment